આઈપીએલ હરાજી 2025 : મુંબઈ ઇન્ડિયન્સ આ 6 ખેલાડીઓને કરશે રિટેન, પૂર્વ ભારતીય ક્રિકેટરે બનાવ્યું લિસ્ટ
આઈપીએલ 2025 મેગા હરાજી પહેલા બીસીસીઆઈ દ્વારા તમામ ટીમોને 31 ઓક્ટોબર સુધી રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે
IPL 2025 mega auction, આઈપીએલ મેગા હરાજી 2025 : આઈપીએલ 2025 મેગા હરાજી પહેલા બીસીસીઆઈ દ્વારા તમામ ટીમોને 31 ઓક્ટોબર સુધી રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આગાહી કરી છે કે મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ વખતે તમામ ટીમોને 6 ખેલાડીઓને રિટેન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં આરટીએમનો પણ ઉપયોગ કરી શકાશે તેમજ ટીમમાં એક કે બે અનકેપ્ડ ખેલાડીઓ પણ હોઇ શકે છે.
આકાશ ચોપરાના જણાવ્યા પ્રમાણે મુંબઈની ટીમ 6 ખેલાડીઓને રિટેન કરશે અને તેમાં અનકેપ્ડ ખેલાડી પણ હશે. તેમનું માનવું છે કે મુંબઇ ઇન્ડિયન્સ એ ટીમોમાંથી એક હોઈ શકે છે જે મેગા હરાજી પહેલા ઉપલબ્ધ તમામ રીટેન્શન સ્લોટ્સનો ઉપયોગ કરશે.
ચોપરાના મતે એમઆઇ છ ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેનો અર્થ છે કે તેઓ હરાજીમાં માત્ર 41 કરોડ રૂપિયા જ લઇને જશે. તાજેતરમાં જ એમઆઈએ મહેલા જયવર્દનેનેને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. આઇપીએલની 2023 અને 2024ની સિઝનમાં ટીમના હેડ કોચ રહી ચૂકેલા માર્ક બાઉચરના સ્થાને જયવર્દનેને જવાબદારી આપવામાં આવી છે.
મુંબઈની ટીમ આ ખેલાડીઓને કરી શકે છે રિટેન
આકાશ ચોપડાને લાગે છે કે મહેલા જયવર્દને હવે શક્ય તેટલું કોર જાળવવાનો પ્રયાસ કરશે. ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે મુંબઈની ટીમ એ તમામ ખેલાડીઓને રોકવાનો પ્રયાસ કરશે જે ટીમની લાઈફ છે. તેના મતે મુંબઈની ટીમ જે ખેલાડીઓને રિટેન કરી શકે છે તેમાં હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને તિલક વર્મા/ઈશાન કિશન તેમજ અનકેપ્ડ પ્લેયર નેહલ વાઢેરાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – જામનગર રાજવી પરિવારના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજાની નેટવર્થ વધી, કોહલી પણ રહ્યો પાછળ
આકાશ ચોપડાએ કહ્યું કે મહેલા જયવર્ધને પાછા આવી ગયા છે તેથી કેટલાક ફેરફારો થવા લાગ્યા છે. હાર્દિક પંડયા જે ફોર્મમાં છે તે જોતાં મુંબઈ ઈન્ડિયન્સ પણ પોતાની કોર જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, તેની પાસે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને તિલક વર્મા અને ઈશાન કિશન છે. ત્યારે તેમની પાસે નેહલ વાઢેરા પણ છે. જો મુંબઈ આ ખેલાડીઓને રિટેન કરશે તો રોહિત શર્મા ચોથા નંબર પર રહેશે અને તેને 18 કરોડ રુપિયા મળશે.
મુંબઈ ઇન્ડિયન્સ 79 કરોડ રૂપિયા ખર્ચીને હરાજીમાં જશે
આકાશ ચોપરાએ કહ્યું હતું કે મુંબઈને પણ ફાયદો થશે જો તે તમામ રિટેન્શન સ્લોટ્સનો ઉપયોગ કરીને 79 કરોડ રૂપિયા ખર્ચીને હરાજીમાં જશે. મારો મતલબ કે તેમની પાસે ઘણું બધું છે. તેથી તેઓ 5+1 રિટેન કરશે અને 79 કરોડનો ખર્ચ કરીને હરાજીમાં પહોંચી શકે છે. મુંબઈ જે ખેલાડીઓને જાળવી રાખશે તે તમામ ભારતીય હશે અને તેઓ પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનશે. હાર્દિક પંડયા હાલ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે અને હવે તે ટીમમાં ભારતનો ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હોવા છતાં આ ભૂમિકામાં આગળ વધે છે કે નહીં તે જોવાનું રહેશે. હાર્દિક પંડયાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ ગત વર્ષે પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે હતું.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked