Published By galaxy news
Oct. 22, 2024, 4:25 p.m.

મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા સાથે ફરી ક્યારે જોડાશે? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલ્ર મોહમ્મદ શમી ઇજાને લીધે છેલ્લા એકાદ વર્ષથી મેદાનથી બહાર છે. જોકે હવે તે પરત ફરવા માટે તૈયાર છે. હાલમાં તેનું લક્ષ્ય રણજી ટ્રોફી છે પરંતુ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાય એવી પ્રબળ શક્યતા છે.

ભારતીય તેજ બોલર મોહમ્મદ શમી ઇજાને લીધે ગત નવેમ્બર માસથી ક્રિકેટથી દૂર હતો. પરંતુ તે ઇજાથી બહાર આવી ગયો છે અને મેદાનમાં પરત ફરવા માટે સજ્જ છે. ટીમ ઇન્ડિયા સાથે જોડાય એ પૂ્વે તેનું લક્ષ્ય રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી મેદાનમાં ઉતરવાનું છે. આ સાથે એક વર્ષના વિરામ બાદ તે મેદાનમાં પરત ફરશે.

વન ડે વર્લ્ડ કપ 2023 ફાઇનલ બાદ 34 વર્ષિય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ક્રિકેટ મેદાનથી બહાર છે. વર્લ્ડ કપમાં 24 વિકેટ ઝડપી ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે એક મહત્વપૂર્ણ બોલર છે.

વર્લ્ડ કપ બાદ મોહમ્મદ શમીએ ગત ફેબ્રુઆરી મહિનામાં લંડન જઇને સર્જરી કરાવી હતી. ત્યાંથી આવ્યા બાદ તે બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ) ખાતે રિકવરી માટે કામ કર્યું હતું. હવે તે ઇજામાંથી બહાર આવી ગયો છે અને ટૂંક સમયમાં મેદાનમાં ફરી રમતો જોવા મળી શકે છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ બાદ મોહમ્મદ શમીએ નેટ પર પૂરા જોશ સાથે એક કલાક કરતાં વધુ સમય બોલિંગ કરી હતી. પગે પટ્ટી બાંધેલી હાલતમાં શરુઆતમાં તેણે ટૂંકી રનઅપ સાથે જોકે બાદમાં પૂરા લયમાં આવી કોઇ તકલીફ વગર તેજ બોલિંગ કરી હતી.

મોહમ્મદ શમીએ સોમવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ પહેલા હું અડધા રનઅપ સાથે બોલિંગ કરતો હતો. જોકે આજે પૂર્ણ રનઅપ સાથે બોલિંગ કરી શક્યો છું. હવે મને સારુ લાગે છે અને મને કોઇ તકલીફ નથી. મારુ શરીર મને હવે ઠીક લાગે છે અને સારી રિકવરી કરી રહ્યો છું.

ટીમ ઇન્ડિયા સાથે પરત ફરવા અંગે ખુલાસો કરતાં તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફી મહત્વની છે. પરંતુ હું કોઇ ઉતાવળમાં નથી. સંપૂર્ણ રીતે ઠીક થયા બાદ પહેલા હું હાલમાં ચાલી રહેલ રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમવા ઇચ્છું છું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked