જસ્ટિન ટ્રુડોએ નિષ્ફળતાને છુપાવવા ભારત સાથે તણાવ વધારવાની ચાલી ચાલ ?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથે તણાવ વધારવા પર તત્પર છે. ભારત વિરોધી વલણ અપનાવીને ટ્રુડો પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી કેનેડાના લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે અને કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોના સમર્થનથી ફરી એકવાર ચૂંટણી જીતવાની યોજના બનાવી રહ્યા છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત સાથેના સંબંધો બગડવા પર તત્પર છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડાએ ફરી એકવાર ભારત વિરોધી નિવેદન આપ્યું છે. જે બાદ ભારતે કડક કાર્યવાહી કરીને કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ નિકાલ કર્યા છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ટ્રુડો પોતાના દેશમાં પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભારત-કેનેડા સંબંધોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
વધતી જતી મોંઘવારી, પરવડે તેવા આવાસ, અનિયંત્રિત ઇમિગ્રેશન અને છીનવાતી જતી નોકરીઓએ ટ્રુડોની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એનડીપી (ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી) એ ટ્રુડો સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચી લીધા પછી, તેઓ અસ્થિર સરકાર ચલાવી રહ્યા છે અને એવું લાગે છે કે હવે તેઓએ તેમની નિષ્ફળતા છુપાવવા માટે ભારત સામે તણાવ વધારવાનો રાજકીય આશરો લીધો છે.
ટ્રુડો તેમની લિબરલ પાર્ટીમાં પણ પડકારોનો સામનો કરી રહ્યા છે, તેમની જ પાર્ટીના કેટલાક લોકોએ તેમને નાપસંદ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, તેઓ પોતાને પાર્ટીના એકમાત્ર એવા નેતા ગણાવે છે જે પીએમ પદના દાવેદાર છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) એ થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે, પાર્ટીમાં તેમની વિરુદ્ધ વિરોધ વધી રહ્યો છે, પાર્ટીમાં તેમના વિરોધીઓને ખ્યાલ આવી ગયો હતો કે જો લિબરલ પાર્ટી ટ્રુડોના નેતૃત્વમાં ચૂંટણી લડશે તો તેઓ હારી જશે.
ટ્રુડોની લોકપ્રિયતા ઘટી રહી છે
એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, ટ્રુડોને પસંદ કરતા લોકોમાં ભારે ઘટાડો થયો છે. ગયા સપ્ટેમ્બરમાં 39 ટકા લોકોએ તેને નાપસંદ કર્યો હતો, એક વર્ષમાં આ સંખ્યા વધીને 65 ટકા થઈ ગઈ છે. કેનેડા દેશમાં તેમની મંજૂરી 51 ટકાથી ઘટીને માત્ર 30 ટકા રહી છે. જે પછી તેમનું આસાન લક્ષ્ય કંઈપણ કરીને ચૂંટણી પહેલા ખાલિસ્તાની મતદારોને આકર્ષવાનું છે. જેના માટે તેણે ફરી પોતાનો ભારત વિરોધી એજન્ડા શરૂ કરી દીધો છે.
ટ્રુડોના રાજીનામાની માંગ
ટ્રુડોની બદનામી સમજનારા લિબરલ સાંસદોની સંખ્યા વધી રહી છે અને તેઓ ટ્રુડોને પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવા દબાણ કરવા માટે એકમત છે. બે મુખ્ય પેટાચૂંટણીઓમાં મોટી હાર બાદ ટ્રુડોના નેતૃત્વમાં અસંતોષ વધ્યો છે. જેના કારણે નારાજ સાંસદોમાં પાર્ટીના નેતા બદલવાની ચર્ચાઓ ચાલી રહી છે. સીબીસીએ શ્રેણીબદ્ધ ગુપ્ત બેઠકોનો અહેવાલ આપ્યો છે જેમાં લિબરલ સાંસદોને નેતૃત્વ સંક્રમણને ચિહ્નિત કરતા દસ્તાવેજ પર સહી કરવાનું કહેવામાં આવે છે.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked