ખેડૂતોને આવ્યો રડવાનો વારો: માવઠાથી મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન
માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા
બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગામોના નદીનાળા, ચેકડેમ અને તળાવો છલકાયા છે. પરંતુ સાથોસાથ ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગઢડા શહેર તેમજ તાલુકાના વાવડી, રોજમાળ, કેરાળા, રામપરા, ઇતરીયા, માંડવધાર, મોટી કુંડળ, સમઢિયાળા, ઇંગોરાળા, ભડવદર, રણિયાળા ગામોમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે કપાસ, મગફળી, શેરડી, પપૈયા, સરગવો તેમજ શાકભાજીના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તૈયાર થયેલી મગફળીના પાકને સુકવવા પાથરા કરીને મૂકેલી હતી. પરંતુ સતત બે દિવસ મુશળધાર વરસાદ પડતા મગફળીનો પાક પલળી ગયો હતો. પરિણામે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. કપાસના પાક સાથે પણ આવું જ થયું છે.
ખેડૂત સંજયભાઈએ ‘‘લોકલ 18’‘ને જણાવ્યું હતું કે, “કપાસ, મગફળીમાં મોટાપાયે નુકસાન થયું છે. શેરડી, સરગવા અને અન્ય વાવેલા શાકભાજી પણ બગડ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે સરગવા અને શેરડી આડા પડી ગયા છે. તેથી ભારે નુકસાન થયું છે. હવે તેનું કંઈ થઈ શકે તેમ નથી. વાવડી, રામપરા, કેરાળા, રોજમાળ, લીંબાળા, કુંડાળા, સમઢિયાળા સહિતના ફરતા ગામોમાં ભારે નુકસાન થયું છે. જેથી સરકાર ખેડૂતોને સહાય કરે એવી અમારી માંગ છે.”
Leave a Comment
Your email address will not be published. Required fields are marked